Shri Meenesh Shah, Chairman, NDDB's welcome address and agenda setting by chairman at Conference on Modern Trends in Dairy Sector, Ahemedabad - 27 December 2022

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

Conference on Modern Trends in Dairy Sector

Welcome Address and Agenda Setting by Chairman, NDDB

27 December 2022 Ahmedabad (09:35-09:45 hrs-10 Minutes)

માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી, કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ, ગુજરાત સરકાર

માનનીય શ્રી પરષોત્તમભાઈ સોલંકી, રાજ્ય મંત્રી ,મત્સ્યોદ્યોગ અને પશુપાલન , ગુજરાત સરકાર,

શ્રી દિલીપ સંઘાની, અધ્યક્ષ, National Cooperative Union of India,

શ્રી કે.એમ. ભીમજીયાણી, સચિવ, પશુપાલન, ગૌપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર, ગુજરાત સરકાર,

શ્રી  શ્યામળભાઈ પટેલ, અધ્યક્ષ, GCMMF,

ડૉ. આર.એસ. સોઢી, Managing Director, GCMMF,

 ગુજરાત સરકારના અધિકારીશ્રીઓ

ગુજરાત દૂધ સંઘોના અધ્યક્ષશ્રીઓ, MDશ્રીઓ, અધિકારીગણ

ટેકનિકલ સત્રોને સંબોધનાર નિષ્ણાતો

NDDB, GCMMFના અધિકારીગણ

BAPSના આયોજકો

તથા અહી ઉપસ્થિત  તમામ ખેડૂત ભાઈઓ અને બહેનો

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત “Modern Trends in Dairy Sector” વિષય પર આયોજિત આ પરિષદમાં આપ સૌનું હાર્દિક  સ્વાગત કરવાની તક મળી એ બદલ હું સન્માન અને આનંદની લાગણી અનુભવું છું.

આદિકાળથી આપણા દેશની ધરતી પર સંતો, મહાત્માઓ અને મહાપુરુષોનો જન્મ થયો છે. સંતો અને મહાપુરુષોએ હંમેશા પોતાના જ્ઞાન અને વિદ્વતા દ્વારા સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું  છે.

પ્રમુખસ્વામી મહારાજ આપણા દેશના મહાન સંતો પૈકીનાં એક સંત હતા, જેમણે ભગવાન સ્વામિનારાયણના સદાચારી ગુરુઓની પરંપરાને આગળ ધપાવી અને તેમનું સમગ્ર જીવન જનતાના આત્માને જાગૃત કરવામાં તેમજ  તેમના ઉત્થાન, પરોપકાર અને સમાજ કલ્યાણમાં વિતાવી દીધું.

તેમના ઉપદેશો અનંતકાળ સુધી સમાજને માર્ગદર્શન આપતા રહેશે.

આજે પ્રમુખસ્વામી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ તેમની દયા, પ્રેરણા અને તેમના આશીર્વાદથી જ આજે આપણે બધા અહીં ભેગા થયા છીએ અને આજનો ભવ્ય કાર્યક્રમ શક્ય બન્યો છે.

હું પ્રમુખસ્વામી મહારાજને શત શત નમન કરું છું

એ ખૂબ જ આનંદની વાત છે કે આજના કાર્યક્રમમાં આપણો ઉત્સાહ વધારવા માટે માનનીય મંત્રી કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ, ગુજરાત સરકાર, શ્રી રાઘવજીભાઈ પટેલ, આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતમાં ડેરી ક્ષેત્રના વિકાસ માટે ઘણી નવીનતમ પ્રવૃત્તિઓને આગળ ધપાવવા માટે આપનું માર્ગદર્શન સતત મળી રહ્યું છે. હું આપને આજના કાર્યક્રમમાં આવકારું છું.

ગુજરાત સરકારના માનનીય રાજ્ય, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપના સમર્થન બદલ અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપનો કિમતી સમય આપવા બદલ હું આપનો આભારી છું.

અદયક્ષ, National Cooperative Union of India , શ્રી દિલીપ સંઘાણીજી દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. હું આપનું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું.

શ્રી કે.એમ. ભીમજીયાણી, સચિવ, પશુપાલન, ગૌપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર, ગુજરાત સરકાર,  શ્રી શ્યામળભાઈ પટેલ, અધ્યક્ષ, GCMMF, ડૉ આર એસ સોઢી, MD, GCMMF નું હાર્દિક સ્વાગત કરું છું.

હું જોઈ શકું છું કે, આજે ગુજરાતના ડેરી ક્ષેત્રના તમામ સંબંધિત હિતધારકો જેમ કે દૂધ સંઘ, ફેડરેશન, NDDB, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, પશુપાલકો અહીં એકસાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે.

આજના આ પ્રસંગે  તમામ સંબંધિત હિતધારકોને સાથે સમ્મેલિત કરી  અને ડેરી ક્ષેત્રને મજબૂત કરવા  માટે આધુનિક પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવા ઉત્તમ મંચ પૂરો પાડવા બદલ હું BAPS અને તેમના  આયોજકોનો સહૃદયપૂર્વક આભાર માનું છું.

આપણો દેશ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે અને 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યો છે.

શું તમે જાણો છો કે  દેશના અર્થતંત્રમાં ડેરી વ્યવસાયનું શું યોગદાન છે ? દૂધ ઉત્પાદનનું કુલ મૂલ્ય રૂ. 9.3 લાખ કરોડ છે, જે કૃષિ પેદાશો એટલે કે ડાંગર, ઘઉં અને શેરડીના સંયુક્ત મૂલ્ય કરતાં વધુ છે. આજે આપણો દેશ વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને આપણા દેશને આ સ્થાન સુધી પહોંચાડવામાં આપણા દેશના ખેડૂતોએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે.

દૂધ આજે સૌથી મૂલ્યવાન પશુધન ઉત્પાદન છે અને તે લગભગ 8 કરોડ ગ્રામીણ પરિવારો માટે રોજગારનો સ્ત્રોત છે.

તાજેતરમાં જ માનનીય પ્રધાનમંત્રીશ્રીની આર્થિક સલાહકાર સમિતિ દ્વારા ઇન્ડિયા @ 100 નામનો policy રોડ મેપ શરૂ કરવામાં  આવ્યો છે તે અંતર્ગત 2047 સુધીમાં ભારતને ઉચ્ચ આવક ધરાવતો દેશ બનાવવાનો લક્ષ્યાંક છે.

આ ધ્યેય હાંસલ કરવા માટે ડેરી ક્ષેત્રનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે ડેરી વ્યવસાય એ નિઃશંકપણે ગ્રામીણ ભારતના વિકાસનું એક મહત્વપૂર્ણ અંગ  છે.

આજે વિશ્વભરમાં આર્થિક, ટેકનિકલ અને નીતિગત વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. જેનાથી આપણું ડેરી ક્ષેત્ર પણ અછૂતું નથી રહ્યું.

કોઈએ સાચું જ કહ્યું કે ‘Change is the only constant in this world’ ( 'આ જગતમાં પરિવર્તન જ એક માત્ર સતત છે')

અને તેથી જ આપણી તમામ સફળતાઓ બાદ પણ બદલાતા સમય સાથે ડેરી ક્ષેત્રમાં પરિવર્તન, અનુકૂલન અને નવીનીકરણ કરતા રેહવું પડશે.

આપણાં દેશમાં નાના અને સીમાંત ખેડૂતોનું દૂધ ઉત્પાદનમાં સૌથી વધુ યોગદાન છે. તેથી દેશમાં ડેરી ક્ષેત્રના વિકાસ માટે આ ખેડૂતોને પશુપ્રજનન, પોષણ, આરોગ્ય સંભાળ, દૂધની ગુણવત્તા અને  નવીકરણીય ઉર્જાના ઉપયોગમાં નવીનતમ તકનીકો અપનાવવા માટે માહિતી પ્રદાન કરવાના પ્રયાસની આવશ્યકતા છે.

મને કેહતા આનંદ થાય છે કે આજના કાર્યક્રમમાં ડેરી ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત છે, જેઓ ટેકનિકલ સત્રોમાં ખેડૂતોને પશુપાલનની અદ્યતન અને આધુનિક તકનીકો વિશે માહિતી આપશે, જેનાથી તેમની કામ કરવાની પદ્ધતિમાં સુધારો થશે એટલું જ નહીં, તેમની આર્થિક પ્રગતિનો માર્ગ પણ મોકળો થશે.

જ્યાં સુધી Modern Trends in Dairy Sectorનો સંબંધ છે, આપણી સતત વધતી વસ્તીને કારણે જમીનની ઉપલબ્ધતા ઘટી રહી છે. દૂધનું ઉત્પાદન વધારવા માટે આપણે પશુઓની સંખ્યાને બદલે તેમની ઉત્પાદકતા વધારવાની જરૂર છે. આધુનિક પશુપાલનમાં, પશુપાલકે દરેક પશુ દ્વારા ઉત્પાદિત દૂધના જથ્થામાં સુધારો કરવો પડશે, જેનાથી દૂધના લિટર દીઠ ઉત્પાદન માટે જરૂરી ખોરાક, પાણી અને જગ્યાની માત્રામાં ઘટાડો થશે.

આ માટે જરૂરી છે કે આપણા ખેડૂત ભાઈઓએ સારી, રોગ પ્રતિકારક અને આબોહવાને અનુકુળ પશુની જાત પસંદ કરવી જોઈએ. પ્રાણીઓની પસંદગી કરતી વખતે ટોપોગ્રાફી, જમીનનો પ્રકાર, ખોરાક અને ઘાસચારાની ઉપલબ્ધતા પણ ધ્યાનમાં લેવી જોઈએ.

ભારત સરકાર અને NDDB છેલ્લાં કેટલાંક વર્ષોથી આ અંગે અનેક પગલાં લઈ રહ્યાં છે. જેમકે ,

v   કુત્રિમ ગર્ભધાનમાં વધારો,

v  ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળા સાંઢનું ઉત્પાદન,

v  બોવાઇન જર્મપ્લાઝમની આયાત,

v  શ્રેષ્ઠ સાંઢ અને વાછરડાઓની પસંદગી માટે જીનોમિક પસંદગીનો ઉપયોગ

v  ET અને OPU-IVF જેવી તકનીકોનો ઉપયોગ કરી , એક જ વર્ષમાં elite ગાય અથવા ભેંસમાંથી વધુ સંખ્યામાં સંતાન મેળવી શકાય

v  90% સચોટતા સાથે માદા વાછરડાંના ઉત્પાદન માટે સેક્સ સોર્ટેડ વીર્યના ડોઝનો ઉપયોગ

ગાય અને ભેંસના સંવર્ધન માટે સમર્પિત બ્રીડ મલ્ટીપ્લીકેશન ફાર્મની પણ સ્થાપના કરવામાં આવી રહી છે જેમાં ઉદ્યોગસાહસિકો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.

National Digital Livestock Mission અંતર્ગત એક ખેડૂત-કેન્દ્રિત સિસ્ટમ પણ બનાવવામાં આવી રહી છે, જેના દ્વારા ખેડૂતો ખાસ ડિઝાઇન કરાયેલ રાષ્ટ્રીય ડિજિટલ આર્કિટેક્ચર દ્વારા સેવાઓ અને માહિતી એકીકૃત રીતે મેળવી શકશે.

લીલો ચારો એ પશુઓ માટે પોષક તત્ત્વોનો સ્ત્રોત છે જે દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવા સાથે ફીડની કિંમત ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ, આપણા દેશના મોટાભાગના વિસ્તારોમાં લીલા ઘાસચારાની સતત ઉપલબ્ધતા એક મોટી સમસ્યા છે.

પશુ પોષણ સુનિશ્ચિત કરવા માટે, NATIONAL LIVESTOCK MISSION (NLM) અંતર્ગત દેશમાં ગુણવત્તાયુક્ત ઘાસચારાના બીજ ઉત્પાદનની પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને આ પરિયોજના  હેઠળ quality certified breeder और foundation ચારાબીજના ઉત્પાદન માટે નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે.

ઘણી વાર, ડેરી ખેડૂતોને ખોરાક સંબંધિત વૈજ્ઞાનિક પદ્ધતિની યોગ્ય જાણકારી હોતી નથી - આનુવંશિક સંભવિતતા અનુસાર દૂધ ઉત્પાદન હાંસલ કરવા માટે, NDDB એ કેન્દ્ર સરકારના સહયોગથી યુઝર ફ્રેન્ડલી એન્ડ્રોઇડ એપ્લિકેશન ઇ-ગોપાલા વિકસાવી છે

આ ખોરાકની કિંમત ઘટાડવામાં, ડેરી પ્રાણીઓના આહારને સંતુલિત કરવામાં અને દૂધ ઉત્પાદનમાંથી નફાકારકતા વધારવામાં મદદ કરે છે. તમે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને કેટલાક સરળ પગલાંઓ અનુસરીને તમે આ એપ્લિકેશનની મદદથી તમારા પ્રાણીઓ માટે આહારને સંતુલિત કરી શકો છો.

નાના અને ભૂમિહીન ખેડૂતો દૂધાળા પશુઓની જાળવણી માટે અલગ અલગ પ્રકારનો પશુખોરાક બહારથી ખરીદે છે અને ખવડાવે છે તેમના પશુઓ માટે Ready To Eat ટોટલ મિક્સ્ડ રાશન(TMR)  એ એક આદર્શ વિકલ્પ છે. પશુખોરાકના વધતાં જતા ભાવો સામે TMR એક ઉત્તમ વિકલ્પ છે.

જ્યારે ડેરી પ્રાણીઓના મહત્વના રોગો માટે સસ્તું, અસરકારક, ઉપયોગમાં સરળ ઉકેલો મળી આવે, ત્યારે દૂધની માત્રા અને ગુણવત્તા બંનેમાં વધારો થશે. મને જણાવતા આનંદ થાય છે કે NDDB એ આયુર્વેદિક વેટરનરી મેડિસિન (EVM) દ્વારા પશુધનના ઘણા મોટા રોગોને રોકવા માટે સરળ ફોર્મ્યુલેશન બનાવ્યું છે.

આ ફોર્મ્યુલેશન મોટાભાગે ખેડૂતના ઘરે ઉપલબ્ધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે જે ખર્ચ ઘટાડવામાં અને અસરકારક  ઉકેલ પૂરો પાડે છે તેમજ એન્ટીબાયોટીક્સનો ઉપયોગ પણ ઘટાડે છે. ઈ-ગોપાલા એપમાં EVM અંગેની માહિતી ઉપલબ્ધ છે. આપ સૌ ખેડૂત ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરો

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતા રસીકરણ કાર્યક્રમો પણ પશુઓને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

બીજુકે, છાણિયું ખાતર એ બીજા નંબરનું સૌથી મૂલ્યવાન પશુધન ઉત્પાદન છે. તેનો યોગ્ય સંગ્રહ અને ઉપયોગ જમીનની ફળદ્રુપતા માટે અથવા ઉર્જા અને જૈવ ઇંધણ માટે આર્થિક વિકલ્પ તરીકે સંપૂર્ણ રીતે ઉપયોગ કરવાની જરૂર છે. જે રીતે ભારતમાં ડેરી વેલ્યુચેઇનની સ્થાપના કરવામાં આવી છે, તેવા જ પ્રયાસો છાણ ના ખાતર માટે પણ કરવામાં આવી રહ્યા છે.

એનડીડીબીના સહયોગથી આણંદ જિલ્લાના મુજકુવા અને જાકરીયાપુરા ગામમાં ખાતર વ્યવસ્થાપન મોડલનું સફળ પાયલોટ સ્થાપિત કરવામાં આવ્યું છે. લગભગ 450 મહિલા ખેડૂતોએ તેમના ઘરોમાં નાની ક્ષમતાના બાયોગેસ પ્લાન્ટ (2-3 ક્યુબિક મીટર) સ્થાપિત કર્યા છે. આ તમામ કામગીરીને સામૂહિક રીતે સંચાલિત કરવા માટે ભારતની પ્રથમ બે સર્વ-મહિલા ખાતર સહકારી સંસ્થાઓની રચના કરવામાં આવી હતી.

જે બાયોગેસ ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ રસોઈ માટે થાય છે. અને ઉત્પન્ન થયેલ બાયો-સ્લરીનો ઉપયોગ મુખ્યત્વે તેમના કૃષિ ક્ષેત્રમાં થાય છે. પારદર્શક પરીક્ષણ અને વજનની વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે અને તેના દ્વારા નિર્ધારિત ગુણવત્તાના માપદંડો પર ખાતર સહકારી મંડળો દ્વારા સરપ્લસ સ્લરી એકત્રિત કરવામાં આવે છે.

આ મહિલા ખેડૂતોના વ્યક્તિગત બેંક ખાતામાં સ્લરીના નાણાં ચૂકવવામાં આવે છે. એકત્ર કરાયેલ સ્લરી, સ્લરી આધારિત જૈવિક ખાતરોના ઉત્પાદન માટે સ્થાપિત સ્લરી પ્રોસેસિંગ પ્લાન્ટમા મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકારની ગોબરધન યોજના હેઠળ આ મોડલને મંજૂરી આપવામાં આવી છે અને ગુજરાત સરકાર પણ આ યોજના હેઠળ દરેક જિલ્લામાં 200 બાયો ગેસ પ્લાન્ટ સ્થાપી રહી છે. NDDB સમગ્ર દેશમાં આ મોડલ સ્થાપિત કરવા પર ભાર આપી રહ્યું છે.

બીએપીએસ ની સંસ્થાઓ પશુપાલન ના ક્ષેત્ર માં પણ સરહનીય કાર્ય કરી રહી  છે. એનડીડીબી પણ તેમાં સહયોગી બની રહ્યું છે.

 

  1. NDDB ડાકોર ગૌશાળા ની સાથે સંકળાઈ ને ઓલાદ સુધારણા નું કામ કરે છે. ગૌશાળા ની ગાયો ના વેતર વિષે ની માહિતી પર થી ધણ ના સુધાર માટે કયા આખલા ના ડોજ વાપરવા તેની સલાહ એનડીડીબી ના વિશેષજ્ઞો દ્વારા આપવા માં આવી હતી.
  2. ડાકોર ગૌશાળા ના ધણ ના વિકાસ માટે ઓછા ઉત્પાદન વાળી ગાયો ને સરોગેટ મધર તરીકે વાપરી અને તેમાં ઉચ્ચ ઓલાદ ની ગીર ગાયો ના IVF ટેકનિક થી પેદા કરેલા 19 ભ્રૂણ નું પ્ર્ત્યરોપણ  કરવામાં આવ્યું . તેમાથી ઉચ્ચ ઓલાદ ની 4 શુદ્ધ નસલ ની ગીર વાછરડીઓ આ ગૌશાળા માં પેદા થઈ છે. આ કાર્ય  આગળ વધારવામાં આવી રહ્યું છે.
  3. BAPS ની સંસ્થાઓ તેમની ગૌશાળાઓ માં ગીર ની શુદ્ધ નસલ ની ગાયો ને ખૂબ સારી રીતે સાચવી રહી છે. આ યોગદાન સરહનીય છે. NDDB દ્વારા ચલાવવા માં આવતા પ્રોજેની ટેસ્ટિંગ પ્રોજેકટ હેઠળ ગઢડા તેમજ કુંડલ ગૌશાલા ની ગાયો ની દૂધ માપણી કરવામાં આવી અને તેમની ઉત્તમ ગાયો માથી વીર્ય ડોજ બનાવવા માટે ના સાંઢ પેદા કરવામાં આવ્યા. આ સાંઢ ના ડોજ કૃત્રિમ બીજદાન માં વાપરશે અને આમ  દેશ ની ગાયો માં ઓલાદ સુધારણા કાર્યક્રમ માં અગત્યનો ફાળો આપશે.

ગયા વર્ષે એન. ડી. ડી. બી ના એક અધિકારી એ ડાકોર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌશાળામાં લગભગ ૨૫૦ ગાય છે. સંસ્થા પાસે સિમેન્ટ કોંકરીટનો ગોબરગેસ હતો પણ લીકેજના કારણે ઘણા વખતથી બંધ હતો. સંસ્થાના સંત સાથે આ બાબતે ચર્ચા થઈ અને તેમણે એન. ડી. ડી. બી. ને વિનંતી કરી કે અમને નવી ટેક્નોલોજી વાળો ગોબર ગેસ બનાવી આપો તો મોટી સેવા થશે.

ત્યારબાદ આ વિષય ઉપરચર્ચા કરી ને એન. ડી. ડી. બી. ના તાંત્રિક માર્ગદર્શનથી અને એક કિસાન જેની પાસે ફ્લેક્ષી ગોબરગેસ નુ ઉત્પદન થાય છે તેમની સાથે સંકલનમા રહીને સ્થળ મુલાકાત કરીને ગોબરગેસ બનાવવાનું નક્કી કર્યું. ૧૨૫ ઘનમીટરનો ગોબરગેસ કે જેનો કુલ ખર્ચ લગભગ ૨૦ લાખ રૂપિયા થાય. તેમાંથી એ કિસાન એ ૭.૭૫ લાખ દાન પેટે આપીને આ ગોબરગેસ મે ૨૦૨૨માં બનાવી આપ્યો. બાકીનો ખર્ચ શ્રી સ્વામિનારાયણ સંસ્થાએ ભોગવ્યો હતો. જે હાલમાં સરસ રીતે કાર્યરત છે. અને શ્રી સ્વામિનારાયણ સંસ્થા આ પ્રોજેકટથી ખૂબ ખુશ છે.

અંતમાં હું કહેવા માંગુ છું કે ડેરી ક્ષેત્ર એ ગુજરાતનું ગૌરવ છે. અહીંના ખેડૂતોએ દેશભરના ખેડૂતોને દૂધ ઉત્પાદન દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનો માર્ગ બતાવ્યો છે.

મને ખાતરી છે કે આપણા ખેડૂતો પણ વૈજ્ઞાનિક પશુપાલનની નવીનતમ તકનીકોને અપનાવવામાં આગળ રહેશે અને આ પરિષદ, પરિવર્તનની આ પ્રક્રિયામાં મદદરૂપ સાબિત થશે.

હું ફરી એકવાર આ પરિષદમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ ખેડૂત ભાઈઓ અને બહેનોને વિનંતી કરીશ કે આ પરિષદનો ભરપૂર લાભ લો અને આધુનિક પશુપાલનને લગતી વૈજ્ઞાનિક પધ્ધતિઓને દિલથી અપનાવો. 

ધન્યવાદ

જય સ્વામિનારાયણ